તાપી જિલ્લાનું ગૌરવ : ભારત માતાના જાબાંઝ સપૂત મુકેશ ગામીતને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર

 તાપી જિલ્લાનું ગૌરવ : ભારત માતાના જાબાંઝ સપૂત મુકેશ ગામીતને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર 



સીઆરપીએફ જવાન મુકેશકુમાર ગામીતે દેશનું સન્માન વધાર્યું : તાળીઓના ગડગડાટથી ગૂંજ્યુ રાષ્ટ્રપતિ ભવન

ભારત માતાના જાબાંઝ સપૂત મુકેશ ગામીતને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર 

દેશના ગૌરવ સમાન મુકેશ ગામીતને શૌર્યચક્ર મેળવવા બદલ તાપી વહીવટી તંત્ર અને ગ્રામજનો તરફથી ખુબ ખુભ શુભકામનાઓ 

માહિતી બ્યુરો, તાપી તા. ૦૬ :-  નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તા. ૫ જુલાઈ, ૨૦૨૪ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે યોજાયેલા સન્માન સમારોહમાં ભારત દેશના માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડીના શ્રી મુકેશકુમાર ગામીતને શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત કરાવામાં આવ્યા છે. શૌર્યચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરતાની સાથે રાષ્ટ્રપતિ ભવન તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું.

વીરતા, શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા ૬૧ સીઆરપીએફના કોન્સ્ટેબલ શ્રી મુકેશ ગામીતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૧ માં મને ક્વિક એક્શન ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ૧૯ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ શ્રીનગર (દરબાગ) ખાતે સર્ચ ઓપરેશનમાં મકાનમાં છુપાયેલા એક આતંકવાદી દ્વારા થઈ રહેલા અંધાધૂધ ફાયરિંગ દરમિયાન અમે જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. આતંકવાદીના નજીક પહોંચતા પોતાના સાથી જવાનને ગોળીબારીથી બચાવવા આતંકવાદીના રાયફલનું બેરલ ઉપરની તરફ કરીને તેનો સામનો કર્યો હતો. આતંકવાદીએ જમીન પર ગ્રેનેડ ફેંકીને ઘરની ખીડકીથી બહાર ભાગ્યો જેનો પીછો કરીને તેને ઠાર કર્યો હતો. 

અસાધારણ વીરતા માટે સન્માનિય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત થયેલા શ્રી ગામીતે A++ કેટેગરીના આતંકવાદીને ઠાર કર્યો હતો. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સમયાંતરે આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓની લીસ્ટને અપડેટ કરીને આ કેટેગરી નક્કી   કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, શ્રી ગામીતને ક્વિક એક્શન ટીમમાં સામેલ કરાયો હતો. આ ટુકડીમાં સામેલ જવાનોને શારીરિક અને માનસિક રીતે મજબુત બનાવવા માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે. આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખવાની સાથે યુદ્ધભૂમિમાં પોતાની વ્યૂહાત્મક કુશળતાની સાથે હુમલાની પરિસ્થિતિમાં આતંકવાદીઓ સાથે લડવા માટે સક્ષમ બનાવે છે. 

રાષ્ટ્રપતિશ્રીના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરનાર તાપી જિલ્લાના શ્રી મુકેશ ગામીતે તાપી જિલ્લાની સિદ્ધીઓમાં ઉમેરો કર્યો છે. આદિવાસી સમાજના ગૌરવ એવા શ્રી મુકેશ ગામીત હવે દેશનું ગૌરવ છે. જે તાપી જિલ્લા સહિત દેશના નવયુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. તાપી જિલ્લા વહીવટી તંત્ર સહિત ગ્રામજનોએ શૌર્યચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ શ્રી મુકેશકુમાર ગામીતને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી. 

Post a Comment

0 Comments