ધોડિયા સમાજ ધનપાતળિયા કુળ પરિવારનું ૨૨મું વાર્ષિક સ્નેહ સંમેલન વલસાડ તાલુકાના ફલધરા ગામે રહેતા ગુલાબભાઇ રામાભાઇ ધનપાતળિયાના ઘરે યોજાયું હતું. ડૉ.ભાવિકાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સંમેલનમાં સમાજના તેજસ્વી તારલાઓને એવોર્ડ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. સમારંભના અધ્યક્ષ ડૉ. ભાવિકા પટેલે જીવનપથમાં આગળ વધવામાં સાથ આપનારને ક્યારેય નહીં ભૂલવા જણાવ્યું હતું. ડૉ.ભાવિકાબેનને ડબલ પીએચ.ડી.ની વિશેષ સિદ્ધિ મેળવવા બદલ કુળ ઇતિહાસમાં પ્રથમવાર સંમેલનનું પ્રમુખસ્થાન આપી બહુમાન કરાયું હતું. પ્રારંભમાં કુળ પ્રમુખ દિનેશભાઈ ધનપાતળિયાએ સમાજોપયોગી કરેલા અને કરવાના કાર્યનો ચિતાર આપી સૌને આવકાર્યા હતા. મુખ્ય અતિથિ ફુલસિંગભાઇ જલારામધામ ફલધરાએ કુળ સંમેલનનો હેતુ સમજાવી, વિદ્યાર્થીઓને ભણતર ઉપર વધુ ધ્યાન આપી ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી શુભકામના આપી હતી.
સમસ્ત ધોડિયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ અને એમ.એમ. ટેક એન્જિનિયરિંગ પરિયાના સીઇઓ ચંપકભાઇએ સંસ્કૃતિ તથા પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરી જીવનમાં સમાજને સાથે લઇ આગળ વધવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તારલાઓમાં ડૉ. દિવ્યાબેન ઝવેરભાઇ પટેલ (એમ.બી.બી.એસ., બારોલીયા), કુંજલકુમાર ઝીકુભાઇ, એમ.એસ.સી. કેમેસ્ટ્રી (ડિસ્ટિંક્શન)-ચીવલ, નિમેષકુમાર અશોકભાઇ-એચ.એસ.સી., કોપરલી અને સુહાનીકુમારી ધીરુભાઇ, એસ.એસ.સી. ચીવલને સન્માનિત કરાયા હતા.
સૌજન્ય: સંદેશ ન્યુઝ
0 Comments